રાજસ્થાન / ગોગામેડી હત્યા કેસમાં UAPA હેઠળ કેસ નોંધાયો, જાણો FIRમાં કોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો
એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનના તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને પત્ર લખીને ત્રણ વખત 24 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 25 માર્ચે સુખદેવ સિંહ ગોગામેડીની સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. પરંતુ તેમને જાણી જોઈને સુરક્ષા આપવામાં આવી ન હતી.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસના આરોપીઓ હજુ પોલીસની પકડથી બહાર છે. પરંતુ પોલીસે આ મામલે UAPA હેઠળ કેસ નોંધ્યો છે.આ કેસમાં નોંધાયેલી FIRમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને DGPના નામ પણ સામેલ છે. તેમના પર સુરક્ષા આપવામાં બેદરકારીનો આરોપ છે.એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનના તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને પત્ર લખીને 24 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 25 માર્ચના રોજ ત્રણ વખત ગોગામેડી માટે સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. પરંતુ તેમને જાણી જોઈને સુરક્ષા આપવામાં આવી ન હતી. આ FIR ગોગામેડીની પત્ની શીલા શેખાવતે નોંધાવી છે.એફઆઈઆરમાં પત્નીએ દાવો કર્યો છે કે 14 ફેબ્રુઆરી 2023ના રોજ પંજાબ પોલીસે રાજસ્થાનના ડીજીપીને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આ પછી 14 માર્ચ 2023 ના રોજ એટીએસ જયપુરે એડીજીપી (ઇન્ટેલીજન્સ)ને પણ આ વિશે જાણ કરી હતી. પત્નીએ આરોપ લગાવ્યો છે કે આટલા ઈનપુટ મળવા છતાં સીએમ ગેહલોત અને ડીજીપી સહિતના જવાબદાર અધિકારીઓએ જાણીજોઈને ગોગામેડીને સુરક્ષા આપી નથી.તમને જણાવી દઈએ કે જયપુરમાં મંગળવારે બે હુમલાખોરો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીથી ઘાયલ થયેલા ગોગામેડીનું બાદમાં હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ ઘટના દરમિયાન હુમલાખોરોએ તેમની સાથે રહેલા નવીન શેખાવતને પણ ગોળી મારી હતી અને ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. રોહિત ગોદારા ગેંગે હુમલાની જવાબદારી લીધી છે.