પાલનપુર શહેરના કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા વોર્ડ નં ૬ માં તંત્રની સઘન કામગીરી

પાલનપુર શહેરના કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા વોર્ડ નં ૬ માં તંત્રની સઘન કામગીરી

૪,૬૬૭ લોકોનું સર્વેલન્સ, ૧૧,૫૦૦ ક્લોરીનેશન ટેબ્લેટ અને ૧૬૫૮ ઓ.આર.એસ પેકેટનું વિતરણ કરાયું

પાણીપુરી અને ખુલ્લામાં વાસી નાસ્તો વેચવા પર સખ્ત પ્રતિબંધ: પાલનપુર શહેરના વોર્ડ નં ૬ વિસ્તારમાં એક સાથે 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા અને તે પૈકી એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી વોર્ડ નંબર ૬ ને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. તેમજ કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પાલનપુર શહેર મામલતદારની નિમણુંક કરવામાં આવી છે.

જિલ્લા કલેકટરવરુણકુમાર બરનવાલ દ્વારા કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શકય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબુ મેળવવા આરોગ્ય વિભાગને સુચના આપી છે. સાથો સાથ કોલેરાને ડામવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં સમાવિષ્ટ નાગરીકોને જરુરી મેડીકલ સહાય તાત્કાલીક ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોલેરા ગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાલનપુર શહેરના વોર્ડ નં ૬ ના ખાસદાર ફળી, ભકતોની લીંમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હી ગેટ, પત્થર સડક, અબરકુવા, જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટીની આજુબાજુનો ૨ કિ.મી. સુધીનો વિસ્તાર કોલેરા અસરગ્રસ્ત- ભયગ્રસ્ત જણાતાં આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે વિવિધ કાર્યવાહી શરૂ કરી છે.

જેમાં રોગચાળાની અટકાયતી કામગીરી અંતર્ગત આ વિસ્તારના ૯૧૬ ઘરની ૪,૬૬૭ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ૧૧,૫૦૦ ક્લોરીનેશન ટેબ્લેટ અને ૧૬૫૮ ઓ.આર.એસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અંતર્ગત અત્યાર સુધી ૧૫૫ કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિનું મરણ થયું છે. હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ ૨૩ લોકોના ઝાડાના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી એક પોઝિટિવ આવેલ છે.

પાલનપુર નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા ગટરોની સફાઈ, પાણી લીકેજ બંદ કરવા, પાણીના સેમ્પલ લેવા, ક્લોરીનેશન, જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં પાણી પુરી, પકોડી અને ખુલ્લામાં વાસી નાસ્તો વેચવા પર સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે. જે કોઈ પકડાશે તેની સામે નગરપાલિકા તંત્ર દ્વારા કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા તેમજ સ્વચ્છતા રાખવાના અનુરોધ સાથે કોલેરા સામે લોક જાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે.



 admin  ગોવાભાઈ આહીર પાટણ

patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post