અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર 41 લાખનો દારૂ ભરેલું ગેસ ટેન્કર ઝડપાયું
બે દિવસ પહેલા બાવળા- રાજકોટ હાઇવે પર એસિડના ટેન્કરમાંથી રૂપિયા 25 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. જે બાદ શુક્રવારે રાતના સમયે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ વડોદરા એક્સપ્રેસ હાઇવેથી રાજકોટ તરફ એસ પી રીંગ રોડ પરથી ગેસના ટેન્કરમાં છુપાવેલો રૂપિયા 41 લાખની કિંમતની વિદેશી દારૂની 11268 જેટલી બોટલો મળી આવી હતી. દારૂનો જથ્થો હરિયાણાના રોહતકથી રાજકોટ લઇ જવામાં આવી રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 66 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે એક સફેદ રંગનું ગેસનું ટેન્કર વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી રાજકોટ તરફ જઇ રહ્યું છે. જેના આધારે શુક્રવારે રાતના સમયે એક્સપ્રેસ હાઇવેના રાજકોટ તરફના એક્ઝીટ પાસે ટેન્કરને રોકીને તપાસ કરતા તેમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે ડ્રાઇવર ભુપત મેઘવાલ ( રહે.સિણદરી ગામ, જી. બાલોતરા, રાજસ્થાન)ની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે હરિયાણાના રોહતકથી રાજકોટ તરફ દારૂનો જથ્થો લઇને જઇ રહ્યો હતો. તે પછી પોલીસે તપાસ કરતા ગેસના ટેન્કરમાં છુપાવાયેલી વિદેશી દારૂની કુલ 11268 જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૪૧ લાખ રૂપિયા હતી.પોલીસની પુછપરછમાં બહાર આવ્યું હતું કે ભુપત મેઘવાલ અમદાવાદ ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તે સમયે તેને દેવુ થતા નાણાંની જરૂર હતી. જેથી તેણે હરિયાણામાં રહેતા મુકેશ નામના બુટલેગર સાથે સંપર્ક કર્યો હતો અને તેણે 15 દિવસ પહેલા રોહતક બોલાવી એક ટેન્કરમાં દારૂ ભરીને રાજકોટ મોકલ્યો હતો. જ્યાં તેણે દારૂની ડીલેવરી આપી હતી.ત્યારબાદ ફરીથી 4 ડિસેમ્બરે રોહતકથી દારૂનો જથ્થો લઇને નીકળ્યો હતો અને તેણે દારૂનો જથ્થો ભરેલું ટેન્કર રાજકોટની એક હોટલ પાસે પહોંચતુ કરીને દારૂની ડીલેવરી આપવાની હતી. એક ફેરાના તેને 50 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આ સમગ્ર મામલે વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પીસીબીના સ્ટાફે બાવળા-રાજકોટ હાઇવે પરથી એસિડના ટેન્કરમાંથી રૂપિયા ૨૫ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. જે દારૂનો જથ્થો પણ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી રાજકોટ લઇ જવામાં આવી રહ્યું હતું.