સુરતના પોલીસ કમિશનર સહિત ટોપ IPS પર સુપ્રીમ લાલઘૂમ : કહ્યું- આનો જવાબ આપવા આવવું પડશે અને બિસ્તરાં-પોટલાં લઈને આવજો
બિઝનેસમેનને પોલીસે કસ્ટડીમાં રાખ્યા, ટોર્ચર કર્યા અને દોઢ કરોડની માગણી કરી
- સુપ્રીમ કોર્ટ સુરતના પોલીસ કમિશનર સહિત ટોપ IPS પર લાલઘૂમ થઈ છે અને કોર્ટના તિરસ્કાર બદલ નોટિસ ફટકારી
- બિસ્તરાં-પોટલાં લઈને આવજો, તમારે સીધા જેલમાં પણ જવું પડે: સુપ્રીમ
સુરતના એક બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. જામીન આપ્યા બાદ પણ બિઝનેસમેનને પોલીસે કસ્ટડીમાં રાખ્યા, ટોર્ચર કર્યા અને દોઢ કરોડની માગણી કરી. બિઝનેસમેને આ પ્રકારની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં કરતાં સુપ્રીમ કોર્ટ સુરતના પોલીસ કમિશનર સહિત ટોપ IPS પર લાલઘૂમ થઈ છે અને કોર્ટના તિરસ્કાર બદલ નોટિસ ફટકારી છે.
સુપ્રીમે કહ્યું છે કે- આનો જવાબ આપવા આવવું પડશે અને બિસ્તરાં-પોટલાં લઈને આવજો, તમારે સીધા જેલમાં પણ જવું પડે. સુપ્રીમની આ ફટકાર બાદ ગુજરાત IPS બેડાંમાં ખળભળાટ મચી ગયો છે.છેતરપિંડીના એક કેસમાં સુરતના બિઝનેસમેન તુષાર રજનીકાન્તભાઈ શાહ સામે ફરિયાદ થઈ હતી અને કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 8 ડિસેમ્બર, 2023એ સુપ્રીમ કોર્ટે તુષાર શાહને શરતી જામીન આપ્યા હતા. આ જામીન મળ્યા પછી સુરત પોલીસે ઉદ્યોગપતિને કસ્ટડીમાં લઈને ટોર્ચર કર્યા અને પૈસાની માગણી કરી એવો આક્ષેપ થઈ રહ્યો છે. આ માટેની કોર્ટના તિરસ્કારની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે.ઉદ્યોગપતિ તુષારભાઈ શાહ તરફથી હાજર થયેલા વરિષ્ઠ એડવોકેટ ઈકબાલ સૈયદ અને વકીલ મોહમ્મદ અસલમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તુષારભાઈને સર્વોચ્ચ અદાલતે આગોતરા જામીન આપ્યાના ચાર દિવસ બાદ જ સુરત પોલીસે નીચલી અદાલત પાસે તેના રિમાન્ડની માંગણી કરી હતી અને મેજિસ્ટ્રેટે તેની અરજી મંજૂર કરી હતી. સુપ્રીમમાંથી શરતી જામીન મળ્યાના ચાર દિવસમાં 13 ડિસેમ્બરે તુષાર શાહને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને ચાર દિવસ સુધી 16 ડિસેમ્બર સુધી રાખવામાં આવ્યા હતા. તેઓએ સુપ્રીમ કોર્ટને વધુમાં જણાવ્યું કે તેમના અસીલ (તુષાર શાહ)ને કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો અને અને રૂ. 1.6 કરોડની માંગણી કરી હતી.
ઉદ્યોગપતિના વકીલોએ સુપ્રીમ કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ અરજી બાદ લાલઘૂમ થઈ હતી અને સણસણતા સવાલો ગુજરાત સરકારના અધિકારી અને સુરતના IPS અધિકારીઓને પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, સુરત પોલીસ કમિશનર એ.કે. તોમર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર, ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલને નોટિસ પાઠવી હતી. નોટિસમાં પૂછાયું છે કે, સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે જામીન મંજૂર કરાયા છે તો પછી તપાસ અધિકારી રિમાન્ડ માટે નીચલી અદાલતમાં અરજી કરવાની હિંમત કેવી રીતે કરી શકે? જામીન હોવા છતાં તેને કસ્ટડીમાં કેવી રીતે લઈ શકાય? આ કોર્ટના આદેશનો ઘોર તિરસ્કાર છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની સુપ્રીમ બેંચ પોલીસ અધિકારીઓ અને ન્યાયિક મેજિસ્ટ્રેટના વર્તન પર ગુસ્સે થઈ હતી અને કહ્યું હતું કે આ જાણી જોઈને કરવામાં આવ્યું છે જેના માટે તેમને છોડી શકાય નહીં અને ટોચથી શરૂ કરીને પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કરાયેલી અરજી પણ કોર્ટનો તિરસ્કાર છે અને નીચલી કોર્ટે આપેલી ચાર દિવસની કસ્ટડી પણ ગેરકાયદેસર છે.સુપ્રીમે કહ્યું કે, એ ચાર દિવસ દરમિયાનના જ સીસીટીવી નથી એનો અર્થ એ કે આ બધું ઈરાદાપૂર્વક જ થયું છે. સુરત ડાયમંડ હબ છે અને દેશનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર છે. આવી સ્થિતિમાં સીસીટીવી કેમ કાર્યરત નથી, તેનો જવાબ સુરત પોલીસે આપવો જ પડશે. સુપ્રીમે આકરૂં વલણ અપવાનીને કહ્યું હતું કે, આ કોઈ રીતે ચલાવી નહીં લેવાય. સુરતના પોલીસ અધિકારીઓએ હાજર થવું પડશે અને તેમણે બિસ્તરાં-પોટલાં લઈને જ આવવું પડશે, બની શકે કે સીધા જેલમાં પણ જાય.
Patan live news GJ 24
Govabhai p ahir