લીંબુ અને ખારેક પાકમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા વર્ષે દસ લાખથી વધુ નફો રળતા ખમતીધર ખેડૂત જેસુંગભાઇ ચૌધરી

રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) ગામના ચૌધરી જેસુંગભાઈ રામાભાઈ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સમગ્ર જિલ્લામાં આગવી ઓળખ ઉભી કરી






પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીના પાકોમાં ઉત્પાદન અને પાકની ગુણવત્તાની અંદર વધારો જોવા મળે છે:- જેસુંગભાઈ રામાભાઈ ચૌધરી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) ગામના ચૌધરી જેસુંગભાઈ રામાભાઈએ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સમગ્ર જિલ્લામાં આગવી ઓળખ ઉભી કરી છે. ધોરણ ૧૨ પાસ જેસુંગભાઈ ચૌધરીએ વર્ષ ૨૦૧૫ થી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. હાલ તેઓ ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવે છે. ૧૩ વીઘા જમીનમાં લીંબુ અને ખારેક પાકમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા વર્ષે દસ લાખથી વધુ નફો રળી ખમતીધર ખેડૂત તરીકે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

જેસુંગભાઈ રામાભાઈ ચૌધરી પાસે કુલ ૧૩ વિઘા જમીન છે. તેઓ પહેલાં ચીલા ચાલુ ખેતી કરતાં હતા. જેમાં દિવેલા, ઘઉં, ચણાની ખેતી કરતાં હતા. આત્મા કચેરી પાટણ, અને કૃષિ મેળામાંથી પ્રાકૃતિક ખેતીની માહિતી મળતાં 

જેસુંગભાઈએ બાગાયતમાં ખારેક અને લીંબુ પાકમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જેમાં એમને સફળતાં મળી. પ્રાકૃતિક ખેતી અંગે વધુ માહિતી માટે આત્મા કચેરી દ્વારા શંખેશ્વર ખાતે યોજાયેલ રાજ્યપાલશ્રી ગુજરાતની નેચરલ ફાર્મિંગની સાત દિવસની તાલીમમાં ભાગ લીધો. ત્યારબાદ જીલ્લા અંદરની તાલીમ, કિસાન ગોષ્ઠીમાં હાજરી આપી  પ્રાકુતિક ખેતી વિષે વધુમાં વધુ માહીતી મેળવી અને આજે ઓર્ગેનિક ઘઉં, લસણ, રજકો તેમજ મિશ્ર પાકમાં પ્રાકુતિક ખેતી અપનાવી સફળ ખેડૂત બન્યા છે.

વર્ષ ૨૦૨૧ થી જેસુંગભાઈએ એક હેકટરમાં લીંબુનું વાવેતર શરૂ કર્યું. જેમાં પહેલા જ વર્ષે તેમને ૮૦૦૦ કિલો ઉત્પાદન મળ્યું. અને ૪૦,૦૦૦ નો ખર્ચ બાદ કરતાં વર્ષ દરમિયાન ૨ લાખનો નફો થયો. બીજા વર્ષે તેમનું ઉત્પાદન ૯૦૦૦ કિલો થયું અને તેમને ૩,૭૮,૦૦૦ નો નફો થયો. જ્યારે ચાલુ વર્ષે તેમણે ૯૪૦૦ કિલો ઉત્પાદન મેળવી ૩૫૦૦૦૦ નો વાર્ષિક નફો લીધો છે.

ખારેક પાકની વાત કરીએ તો વર્ષ ૨૦૨૧-૨૨ માં જેસુંગભાઈએ એક હેક્ટરમાં પહેલી વાર ખારેકનું વાવેતર કરી ૧૪૦૦૦ કિલો ઉત્પાદન મેળવ્યું હતું. જેમાંથી તેમને ૫ લાખ રૂપિયાનો વાર્ષિક નફો થયો હતો. બીજા વર્ષે નફો વધીને ૬,૪૦,૦૦૦ થયો હતો. જ્યારે ચાલુ વર્ષે તેમણે ૭,૬૪,૦૦૦ નો વાર્ષિક નફો મેળવ્યો છે. આમ બાગાયત પાક લીંબુ અને ખારેકમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ સફળ થઈ છે. જેણે જેસુંગભાઇને લાખો રૂપિયા રળી આપ્યા છે. જેસુંગભાઇએ ખારેક પાકમાં ૪૫૮ જેટલાં બચ્ચાં બાંધેલ જેના થકી પણ તેમને સાડા ચાર લાખ કરતાં વધુ રૂપિયાની આવક મળી છે.

જેસુંગભાઈ રામાભાઈ ચૌધરીનું પ્રાકૃતિક ખેતી આધારિત રમા બા મોડલ ફાર્મ આજે જિલ્લામાં બીજા નંબરનું પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ ધરાવે છે. જે સૌ કોઈના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ તેમના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ હાઉસની મુલાકાત લેવા આવે છે. આ મોડેલ ફાર્મમાં તેઓ દેશી ગાય સાથે ૧૯ પશુઓ રાખી પશુપાલન પણ કરે છે. તેમણે ૫૦૦૦ છોડ અરડુસાના, અને ૬૦૦ છોડ સાગના વાવી પ્રાકૃતિક ખેતી સાથે પ્રકૃતિના જતનનું સરસ કામ કર્યું છે. 

તેઓ કહે છે કે હુ પોતે ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે અન્ય ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપુ છુ . પાકૃતિક ખેતીના તમામ આયામોનો ઉપયોગ મારી ખેતીમાં કરુ છુ અને તે ચાલુ કર્યા પછી મારા ખેતરમાં જથ્થાબંધ અળસિયા જોવા મળે છે. ખારેક અને લીંબુ જેવા પાકમાં પ્રાકુતિક ખેતીના આયોમોનો ઉપયોગ કરી ઓછો ખર્ચ અને વધુ નફો મળે છે. તેમજ આંતરપાક તરીકે લસણનુ વાવેતર કરેલું છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીના પાકોમાં ઉત્પાદન અને પાકની ગુણવત્તાની અંદર વધારો જોવા મળે છે. સરકારશ્રીની દેશી ગાય નિભાવ ખર્ચની યોજનાનો લાભ પણ તેમણે લીધો છે.

Post a Comment

Previous Post Next Post