સુરત : હેડ કોન્સ્ટેબલ વતી વચેટિયો 15,000ની લાંચ લેતા ઝડપાયો, બંને આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર
પોસ્કોના કેસમાં પીડિતાના પિતા જોડે સમાધાન કરાવી અપાવવાના નામે આરોપીના સંબંધી પાસે રૂપિયા 15,000ની લાંચ માંગી હેરાનગતિ કરતા કાપોદ્રા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત વચેટીયાને સુરત એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી પાડ્યા છે. એટલું જ નહીં પરંતુ બંને આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત બે આરોપીઓને સુરત એસીબી દ્વારા રૂપિયા 15,000ની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સુરત એસીબીના નાયબ અધિકારી આર.આર. ચૌધરીના જણાવ્યા અનુસાર, કાપોદ્રા પોલીસ મથકમાં પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં મુખ્ય આરોપી સહિત ચાર લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓ હાલ સુરતની લાજપોર જેલમાં જેલવાસ હેઠળ છે. આરોપીઓના જામીન મેળવવા માટે મુખ્ય આરોપીના કૌટુંબિક સંબંધી દ્વારા સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.આ વચ્ચે કાપોદ્રા પોલીસ મથકમાં પીઆઇ રાઇટર તરીકે ફરજ બજાવતા જયદીપ મહારુ પાટીલે પીડિતાના પિતા સાથે સમાધાન કરાવી આપવાના નામે રૂપિયા 15,000ની લાંચની માંગણી કરી હતી. જેથી આરોપીના સંબંધી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એસીબીએ તમામ પુરાવાઓ એકત્ર કરી છટકાનું આયોજન કર્યું હતું. જ્યાં સુરતના કાપોદ્રા ખાતે આવેલ સિદ્ધ કુટીર શાળા નજીકની પોલીસ હેડ કોન્સ્ટેબલ વત્તી લાંચની રકમ લેવા આવેલા સુરેશ હિરપરાને રૂપિયા 15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપીની પૂછપરછમાં આ લાંચની રકમ કાપોદ્રા પોલીસ પથકના હેડ કોન્સ્ટેબલ અને પીઆઇ રાઇટર જયદીપ મહારુ પાટીલના કહેવા પર સ્વીકારી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલની પણ એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બંનેની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં એસીબી દ્વારા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં બચાવ પક્ષ અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી સુરત કોટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યાં વધુ તપાસ સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.