સુરત/ 'બીજાના GST નંબર પર ખોટા ધંધા કરો છો? તમારા વિરુદ્ધ અરજી આવી છે' કહી 75 હજારની લાંચ માગનાર કોન્સ્ટેબલનો સાગરિત ઝડપાયો
સુરતમાં ફરી એસીબીએ સપાટો બોલાવ્યો છે. બીજાના જીએસટી નંબર પર ધંધો કરો છો? તમારા વિરુદ્ધ અરજી આવી છે કહી કોન્સ્ટેબલે લાંચ માગી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ વતી 75 હજારની લાંચ લેવા જેને કહેવામાં આવ્યું હતું. તે સાગરિતને પોલીસે ઝડપી લીધો છે. જ્યારે કોન્સ્ટેબલ સ્થળ પર મળી આવ્યો નહોતો. હાલ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ગ 3ના હેડ કોન્સ્ટેબલ નાથુભાઇ ભવાનભાઇ ચૌધરીએ લાંચની રકમ અબ્દુલ ગની સરદારભાઇ શેખ, (પ્રજાજન), ઉં.વ.,૪૯ રહે.ઘર નંબર.૩૦૩, સંજર સોસાયટી, વિભાગ-૩, હલીમા રેસીડન્સી પાસે, ઊન ગામને આપવા કહ્યું હતું. જેથી એસીબીએ છટકું ગોઠવીને સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાનની સામે જાહેર રોડ ઉપરથી અબ્દુલ ગની શેખને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વેપારી તેમના મિત્રના જી.એસ.ટી. નંબર ઉપર કાપડનો વેપાર-ધંધો કરતા હતા. જે બાબતે આ કામના આરોપી કોન્સ્ટેબલ અને તેનો સાગરિત બન્ને તા.૨૯/૧૨/૨૦૨૩ના રોજ ફરિયાદીની દુકાન ઉપર જઇ ફરિયાદીને જણાવેલું કે, તમે બીજાના જી.એસ.ટી. નંબર ઉપર ખોટો વેપાર ધંધો કરો છો ? જે બાબતે તમારા વિરુધ્ધમાં અરજી આવી છે. જેમાં આરોપી કોન્સેટબલે ફરીયાદીને વેપાર-ધંધામાં હેરાન-પરેશાન નહી કરવાના અવેજ પેટે રૂ.૭૫,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ આરોપી અબ્દુલ શેખને આપી દેવા જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપી અબ્દુલ શેખને લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ.૭૫,૦૦૦/- સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ છે. જ્યારે સ્થળ ઉપર હાજર મળી આવ્યો નહોતો.