સુરત/ ઉદ્યોગપતિ વસંત ગજેરા સહિત પાંચ સામે 100 કરોડથી વધુની જમીન પચાવી પાડતા સુપ્રીમના આદેશ બાદ નોંધાયો ગુનો



 સુરત/ ઉદ્યોગપતિ વસંત ગજેરા સહિત પાંચ સામે 100 કરોડથી વધુની જમીન પચાવી પાડતા સુપ્રીમના આદેશ બાદ નોંધાયો ગુનો

સુરતના ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજેરા સામે વધુ એક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.શહેરના પાલ વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવા માટે સુરતના જાણીતા અને અનેકવાર વિવાદમાં આવી ચૂકેલા બિલ્ડર વસંત ગજેરા સહિત કુલ પાંચ લોકોએ કારસો રચ્યો હતો. જમીન પચાવી પાડી વસંત ગજેરા સહિત તમામ લોકોએ ભેગા મળી રૂપિયા 90 કરોડમાં જમીન વેચવા પણ કાઢી હતી. જોકે જમીનના મૂળ માલિક આખરે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જતા તેઓને ન્યાય મળ્યો છે. અને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ ગતરોજ પાલ પોલીસ મથકમાં વસંત ગજેરા તથા તેના ભાઈ સહિત કુલ પાંચ લોકો સામે એટ્રોસિટી સાથે જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ થયો છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મઢી ગામમાં રહેતા ધોળાભાઈ પટેલની 82 વર્ષીય વિધવા પત્ની લક્ષ્મીબેને પોતાની જમીન માટે ન્યાય મેળવવા માટે ભારે મહેનત કરવાનો વારો આવ્યો હતો. લક્ષ્મીબેન અને તેના ભાઈઓ બહેનોની સુરત શહેરના પાલ ગામ વિસ્તારમાં સર્વે નંબર 164 બ્લોક નંબર 158 વાળી નવી શરતની જમીન અંદાજે 3,642 ચોરસ મીટર ટીપી નંબર 10 અને ફાઇનલ પ્લોટ નંબર 17 વાળી જગ્યા આવેલી છે. આ જગ્યામાં લક્ષ્મીબેન તથા તેમના પરિવારના કુલ આઠ હિસ્સેદારોની જમીન છે. આ જમીન પચાવી પાડવા માટે વર્ષ 2012માં સુરત શહેરના સરગમ શોપિંગ સેન્ટર પાસે સર્જન સોસાયટીમાં રહેતા હીરાલાલ નરસીભાઇ હડકિયા તથા તેનો પુત્ર આદિત્ય હીરાલાલ હડક્યા તેઓના સંપર્કમાં આવ્યા હતા.તેઓએ આ જમીન ખરીદવા માટેની વાત કરી હતી. જે તે સમયે તેઓએ આ જમીન ખરીદવા માટે લક્ષ્મીબેન તથા તેના પરિવારના કુલ આઠ હિસ્સેદારોને 11,000 રોકડા રૂપિયા આપી બાકીની રકમ બે તબક્કે એટલે કે જમીન બિનખેતી થાય અને વેચાણ દસ્તાવેજ થાય ત્યારે આપવાનો વાયદો કર્યો હતો. જો કે આ 11,000 ના બદલામાં આ તમામ લોકોએ ભેગા મળી બાનાખત-સાટાખાત કરાર કરાવી લીધા હતા. પરંતુ બાદમાં પિતા-પુત્રએ લક્ષ્મીબેનની જાણ બહાર અસલ બાનાખત અને સાટાખત કરારનો દુરુપયોગ કરીને પાના બદલી નાખ્યા હતા. તેમ જ બોગસ સહીઓ કરી અન્ય બાનાખત-સાટાખત કરાર બોગસ તૈયાર કરી પાવર ઓફ એટર્ની બનાવી લીધી હતી.બોગસ દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની દ્વારા કુલમુખત્યાર નામા થકી સબ-રજીસ્ટ્રાર કચેરી સુરત-8 રાંદેર ખાતે તા.19/06/2016ના રોજ પિતા-પુત્ર આદિત્ય અને હીરાલાલે, ભેગા મળી ઉદ્યોગપતિ વસંત હરીભાઈ ગજેરા, ભાઈ બકુલ હરીભાઈ ગજેરા તથા ધર્મેશ સવજીભાઈ હાપાણીએ સરકારી અધિકારી-કર્મચારીઓના મેળાપીપણાંથી લક્ષ્મીબેનની હાજરી વીના જ દસ્તાવેજ કરાવી લઇ છેતરપિંડી કરી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હતી.

લક્ષ્મીબેન અને તેના પરિવાર દ્વારા અડાજણ પોલીસ મથકમાં વર્ષ 2018માં અરજી આપતા અડાજણ પોલીસે પણ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને તેઓની અરજીને ફગાવી દીધી હતી. જેથી આખરે લક્ષ્મીબેન સુરત કોર્ટમાં જતા ત્યાં પણ તેઓને યોગ્ય ન્યાય મળ્યો નહોતો. જેથી આખરે તેઓએ અમદાવાદ ખાતે સચિવમાં ન્યાય માટે ગયા હતા પરંતુ ત્યાંથી પણ નિરાશા સાંપડતા આખરે લક્ષ્મીબેન હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ હાઇકોર્ટમાં પણ લક્ષ્મીબેનને યોગ્ય ન્યાય મળ્યો ન હતો. જેથી આખરે લક્ષ્મીબેન હાઇકોર્ટના એડવોકેટ મેહુલભાઈ સુરતી મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે લક્ષ્મીબેનને ન્યાય આપતા આ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો.જોકે આખરે પાંચ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પરિવારને આ મામલે ન્યાય આપ્યો હોય તે પ્રકારનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગતરોજ લક્ષ્મીબેના પરિવાર દ્વારા પાલ પોલીસ મથકમાં તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પરિવારની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી સાથે જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે હવે એસસી એસટી સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કેસમાં વસંત ગજેરા તથા અન્ય આરોપીઓએ ભેગા મળી લક્ષ્મીબેનની ગેરહાજરીમાં તમામ દસ્તાવેજો પોતાના નામે કરી લીધા હતા. એટલું જ નહીં પરંતુ સોનાની લગડી સમાન આ જમીનને તાત્કાલિક ધોરણે વેચવા પણ કાઢી હતી. જેથી કરીને ભવિષ્યમાં કોઈ પોલીસ કેસ થાય તો ત્યાં સુધીમાં જમીનનો ખેલ પતી ગયો હોય પરંતુ આ જમીન વેચાય તે પહેલા જ આખરે સુપ્રીમ કોર્ટમાંથી તમામ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આવી જતા તેઓનો આ મનસૂબો નિષ્ફળ નીવડ્યો હતો.ઉલ્લેખનીય છે કે ડાયમંડ કારોબારી બિલ્ડર અને ઉદ્યોગપતિ વસંત ગજેરા અગાઉ પણ અનેક જમીનના પચવાના વિવાદમાં સપડાઇ ચૂક્યા છે. પીપલોદમાં પણ અગાઉ સોનાના લગડી ની જમીન પચાવી પાડી હતી અને તેમાં પણ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં જે તે સમયે વસંત ગજેરા ની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે ફરી ગુનો નોંધાયા બાદ પોલીસ ક્યારે ધરપકડ કરે છે તે મહત્વનું છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post