સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અગડવતા ન પડે તે માટે પાલિકાથી માંડીને ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પગલાં ઉઠાવવામાં આવ્યા છે. અલબત્ત, અશ્વનીકુમાર ખાતે મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી ખાતર પર દિવેલ સમાન સાબિત થઈ રહી છે. એક તરફ ચાર રસ્તા પર પીવાના પાણીમાં લીકેજની સમસ્યાને પગલે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આસપાસના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું બેરિકેડ કરવાની તસ્દી સુદ્ધાં લેવામાં આવી નથી. જેને પગલે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેરના અશ્વની કુમારમાં સરસ્વતી સર્કલ પાસે છેલ્લા પાંચેક દિવસથી પીવાના પાણીમાં લીકેજની સમસ્યા સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી હતી. જેને પગલે આ વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા લીકેજની સમસ્યા દુર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, કામગીરી દરમિયાન પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામવાળી જગ્યાની આસપાસ કોઈપણ પ્રકારનું બેરિકેડ મુકવામાં આવ્યું નથી.ટ્રાફિકથી ધમધમતાં આ વિસ્તારમાં બેરિકેડ વિના જ કામગીરી હાથ ધરવામાં આવતાં ગમે ત્યારે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય કોન્ટ્રાક્ટર દ્વારા જે રીતે તકલાદી કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે પણ પુર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા આક્ષેપ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, લીકેજની સમસ્યાનું કાયમી ધોરણે ઉકેલ લાવવાને બદલે હંગામી કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે આગામી દિવસોમાં આ વિસ્તારમાં પીવાના પાણીની મોકાળ સર્જાય તેમાં કોઈ બેમત નથી.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ